www.divyabhaskar.co.in |
લૉકડાઉન દરમિયાન જરૂરિયાતમંદની મદદ કરીને ચર્ચામાં આવેલો સોનુ સૂદ વિવાદમાં ફસાઈ રહ્યો છે. BMCએ એક 6 માળની રેસિડેન્શિયલ બિલ્ડિંગને હોટલમાં રૂપાંતરિત કરવાના આક્ષેપમાં સોનુ વિરુદ્ધ જુહૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
BMC તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ બી નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. આથી જ સોનુ સૂદ વિરુદ્ધ નિયમ પ્રમાણે એક્શન લેવા જોઈએ. BMCએ સોનુ સૂદ પર બિલ્ડિંગનો હિસ્સો વધારવાનો, નકશામાં ફેરફાર કરવાનો તથા હેતુફેરનો આક્ષેપ મૂક્યો છે.
નોટિસ આપી હોવા છતાંય ગેરકાયદેસર નિર્માણનો આક્ષેપ
BMCએ પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે તપાસમાં એ વાત સામે આવી કે સોનુ સૂદે જાતે જ જમીનના ઉપયોગમાં હેતુફેર કરી લીધો છે. આ ઉપરાંત નક્કી કરેલા પ્લાનથી વધુ બાંધકામ કરીને રેસિડેન્શિયલ બિલ્ડિંગને રેસિડેન્શિયલ હોટલ બિલ્ડિંગમાં બદલી નાખી. આ માટે તેણે ઑથૉરિટી પાસેથી જરૂરી મંજૂરી પણ લીધી નથી. સોનુ પર નોટિસની અવગણના કરવાનો આક્ષેપ પણ મૂકાયો છે. BMCએ વધુમાં એમ પણ કહ્યું છે કે નોટિસ આપી હોવા છતાંય સતત ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
BMCની નોટિસ વિરુદ્ધ સોનુ સૂદ કોર્ટમાં ગયો હતો
અધિકારીઓએ એમ કહ્યું હતું કે BMC તરફથી આપવામાં આવેલી નોટિસ વિરુદ્ધ સોનુ સૂદે મુંબઈ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી તેને વચગાળાની રાહત મળી નહોતી. કોર્ટે સોનુ સૂદને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. BMCનું કહેવું છે કે કોર્ટ તરફથી આપવામાં આવેલો ત્રણ અઠવાડિયાનો સમય પૂરો થઈ ગયો છે અને એક્ટરે ગેરકાયદેસર બાંધકામ ના હટાવ્યું અને હેતુફેરના નિર્ણયને કેન્સલ પણ કર્યો નથી. આથી જ BMCએ પોલીસ ફરિયાદ કરી છે. આ FIR, MRTP એક્ટ હેઠળ કરવામાં આવી છે.
સોનુ સૂદની પ્રતિક્રિયા
સોનુ સૂદે આ મુદ્દે કહ્યું હતું કે તેણે પહેલાં જ BMC પાસેથી યુઝર ચેન્જ માટે પરમિશન લીધી હતી અને હવે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથૉરિટીની મંજૂરી મળવાની રાહ જોતો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Source