www.divyabhaskar.co.in |
કોરોના અને લૉકડાઉનની વચ્ચે સતત મદદ કરનાર સોનુ સૂદ હવે મસીહા બની ગયો છે. તેલંગાણા રાજ્યના ગામ ડુબ્બા ટાંડાના લોકોએ 47 વર્ષીય સોનુના નામ પર એક મંદિર બનાવીને તેને સન્માનિત કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, ગામના લોકોએ આ મંદિર સિદ્દીપેટ જિલ્લા અધિકારીઓની મદદથી બનાવ્યું છે.
રવિવારે લોકાર્પણ થયું
મંદિરનું લોકાર્પણ 20 ડિસેમ્બરના રોજ મૂર્તિકાર તથા સ્થાનિક લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરતી પણ કરવામાં આવી હતી. પારંપરિક પોશાક પહેરેલી સ્થાનિક મહિલાઓએ લોકગીત ગાયા હતા. જિલ્લા પરિષદના સભ્ય ગિરી કોંડેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સોનુએ કોરોના દરમિયાન જનતાની વચ્ચે ઘણું જ સારું કામ કર્યું છે.
'સોનુ અમારા માટે ભગવાન'
મંદિરની યોજના બનાવનાર સંગઠનમાં સામેલ રમેશ કુમારે કહ્યું હતું, 'સોનુના સારા કામોને કારણે ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી અમે તેમના માટે મંદિર બનાવ્યું છે. તે અમારા માટે ભગવાન છે. સોનુએ દેશના તમામ 28 રાજ્યોના લોકોની મદદ કરી છે અને માણસાઈ ભરેલા કામ માટે તેમને અવોર્ડ્સ પણ મળ્યા છે.'
વધુમાં તેમણે કહ્યું હતું, 'સોનુએ લૉકડાઉન દરમિયાન જે રીતે લોકોની મદદ કરી છે, તેને કારણે માત્ર દેશમાં જ નહીં દુનિયાભરમાં સન્માન મળ્યું છે. તેમને યુનાઈટેડ નેશન તરફથી સ્પેશિયલ અવોર્ડ મળ્યો હતો. આથી અમારા ગામ તરફથી અમે તેમનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો. ભગવાનની જેમ જ, સોનુ સૂદની પૂજા કરવામાં આવશે.'
ચિરંજીવીએ સીન માટે સોનુને માર મારવાની ના પાડી
હાલમાં જ સોનુ સૂદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની નવી ઈમેજને કારણે સુપરસ્ટાર ચિરંજીવીએ ફિલ્મ 'આચાર્ય'ના એક એક્શન સીનમાં તેને મારવાની ના પાડી દીધી હતી. સોનુએ કહ્યું હતું, 'અમે એક્શન સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચિરંજીવી સરે કહ્યું, ફિલ્મમાં તું હોવાથી અમારા માટે સૌથી મોટી સમસ્યા છે, કારણ કે હું તને એક્શન સીનમાં મારી શકીશ નહીં. જો મેં તને માર્યો તો લોકો મને ગાળો આપશે.'
શ્રમિકોને ઘર પહોંચાડ્યા હતા
લૉકડાઉન દરમિયાન સોનુ સૂદે મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને દેશના દૂર-દૂર સુધીના વિસ્તારમાં આવેલા તેમના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. સોનુ તથા તેની ટીમે શ્રમિકો માટે ટોલ ફ્રી નંબર તથા વ્હોટ્સએપ નંબર રિલીઝ કર્યાં હતાં. સોનુએ મજૂરોને બસ, ટ્રેન તથા ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. આ સાથે જ શ્રમિકોને ભોજન પણ પૂરું પાડ્યું હતું.
સોનુએ નોકરી અપાવવા માટે કંપનીઓ સાથે મળીને નોકરી પોર્ટલ પણ શરૂ કર્યું છે. હવે સોનુ સૂદ વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માગે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Source