9 વર્ષની ઉંમરે કલ્કિ યૌન શોષણનો ભોગ બની હતી, અનુરાગ સાથેના ડિવોર્સ અને લગ્ન વગર માતા બનવાને કારણે ચર્ચામાં રહી હતી
બોલિવૂડ એક્ટ્રેસ કલ્કિ કેકલાંનો 10 જાન્યુઆરીના રોજ 37મો જન્મદિવસ છે. કલ્કિએ ગયા વર્ષે સાત ફેબ્રુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. જન્મ પહેલાં કલ્કિ ઘણી જ વિવાદોમાં રહી છે. કલ્કિએ લગ્ન વગર જ દીકરીને જન્મ આપ્યો છે. કલ્કિએ દીકરીનું નામ સાફો રાખ્યો છે. કલ્કિના સંબંધો બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથે છે. કલ્કિએ પહેલાં લગ્ન અનુરાગ કશ્યપ સાથે કર્યાં હતાં.
9 વર્ષની ઉંમરમાં યૌન શોષણ
કલ્કિએ એક ઈવેન્ટમાં યૌન શોષણ અંગેનો ઘટસ્ફોટ કરીને તમામને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કલ્કિએ કહ્યું હતું કે લોકોએ બાળકોની વચ્ચે પ્રાઈવેટ પાર્ટ તથા સેક્સ જેવા શબ્દો પ્રત્યેની શરમ દૂર કરવી જોઈએ. આ શરમને કારણે બાળકો પોતાના પેરેન્ટ્સને પોતાની સાથે થયેલા ખોટા કામોને શૅર કરી શકતા નથી. આ અંગે તેણે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ શૅર પણ કરી હતી.

આ ઈવેન્ટમાં કલ્કિએ કહ્યું હતું, 'જ્યારે હું નવ વર્ષની હતી ત્યારે મેં એક વ્યક્તિને મારી સાથે શારીરિક સંબંધ બનાવવાની પરવાનગી આપી હતી. તે સમયે હું આ અંગે કંઈ જ જાણતી નહોતી. સૌથી મોટો ડર એ હતો કે ક્યાંક આ અંગે મારી માતાને ખબર ના પડી જાય. મેં વર્ષો સુધી આ વાતને છુપાવીને રાખી હતી અને આ મારી સૌથી મોટી ભૂલ હતી. જો તે સમયે મારી અંદર ઘરના લોકોને આ વાત કહેવાનો આત્મવિશ્વાસ હોત તો હું મારી સેક્સ્યુઆલિટી અંગે આટલી કોમ્પ્લેક્સ ના હોત.'

બે વર્ષમાં જ લગ્ન સંબંધો તૂટ્યા
કલ્કિ કેકલાંએ પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ 'દેવ ડી'થી કરી હતી. આ ફિલ્મને અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ફિલ્મ પછી કલ્કિ નાટકમાં કામ કરતી અને અનુરાગ દરેક નાટકમાં દર્શક બનીને હાજર રહેતા. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને 30 એપ્રિલ, 2011ના રોજ લગ્ન કર્યાં હતાં. બે વર્ષ બાદ કલ્કિ તથા અનુરાગના લગ્નજીવનમાં ખટાશ આવી ગઈ હતી અને 13 નવેમ્બર, 2013ના રોજ બંને અલગ થયા હતા.

લગ્ન વગર કલ્કિ માતા બની
કલ્કિએ સપ્ટેમ્બર, 2019માં પ્રેગ્નન્સીના ન્યૂઝ આપીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કલ્કિ બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનમાં રહે છે, પરંતુ બંનેએ લગ્ન કર્યા નથી. 7 ફેબ્રુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં કલ્કિએ કહ્યું હતું, 'અમને લગ્ન કરવાની જરૂર લાગતી નથી અને અમે માત્ર એટલા માટે લગ્ન કરવા નહોતા માગતા, કારણ કે હું પ્રેગ્નન્ટ છું. જો ભવિષ્યમાં અમને બાળકના ડોક્યૂમેન્ટ્સ તથા સ્કૂલ એડિશન માટે જરૂર પડશે તો અમે લગ્ન અંગે વિચારીશું.'
'દેવ ડી' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરનાર કલ્કિએ 'શૈતાન', 'જિંદગી ના મિલેગી દોબારા', 'એક થી ડાયન' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. કલ્કિ મોટાભાગે સપોર્ટિંગ રોલમાં જોવા મળતી હોય છે. 2019માં કલ્કિએ 'સેક્રેડ ગેમ્સ'માં કામ કર્યું હતું. છેલ્લે કલ્કિ વેબ સિરીઝ 'ભ્રમ'માં જોવા મળી હતી.