રૂપિયા 5 હજારની લોન લઈ શો સુધી પહોંચ્યો કન્ટેસ્ટન્ટ, નેહા કક્કડે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી
નેહા કક્કડ આમ તો છેલ્લા કેટલાક દિવસોથી લગ્નને લઈ ચર્ચામાં રહ્યા હતા. પણ આ વખતે તેઓ દરિયાદિલીને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લગ્ન બાદ નેહા કક્કડ કામ પર પરત આવી ગયા છે. નેહા ઈન્ડિયન આઈડલના જજ પેનલમાં છે. તેમણે શોમાં ઓડિશન આપવા આવેલ એક સ્પર્ધકની દુખભરી કહાની સાંભળી તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.

સોની ચેનલે આ એપિસોડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરના એક સ્પર્ધક શહજાદ અલી તેના જીવન અંગે કહી રહ્યો છે. તે કહે છે કે કપડાની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં માતાનું અવસાન થઈ ગયું. ઈન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે શહજાદની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે.
નેહા ઉપરાંત શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ શહજાદ અલીને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શહજાદને કોઈ સારા ગુરુ સાથે મુલાકાત કરાવશે, જેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર રિયલ્ટી શો ઈન્ડિયન આઈડલ 28મી નવેમ્બર રાત્રે 8 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. તે પ્રત્યેક શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. આ સિંગિંગ રિયાલિટી શોને લોકો ખૂબ પસંદ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેહા કક્કડની તાજેતરમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન થયા છે. તેમના લગ્નને લઈ ફેન્સ ખૂબ જ સરપ્રાઈઝ હતા. લગ્ન બાદ તેમની વેડિંગ ફોટોઝ ઈન્ટરનેટ પર છવાયેલા રહ્યા.