www.divyabhaskar.co.in |
અનુપમ ખેરનું નવું પુસ્તક 'યોર મોસ્ટ ડે ઈઝ ટુડે' હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું. કોરોના કાળમાં લખાયેલા આ પુસ્તકમાં અનુપમ ખેરે જીવનના પોઝિટિવ પાસાઓ અંગે વાત કરી છે. ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જીવન જીવવા અંગેની સલાહ આપી હતી. વાંચો, ઈન્ટરવ્યૂના મુખ્ય અંશો…
સવાલઃ કોરોનાકાળમાં ડિપ્રેશન વધ્યું, લોકોની નોકરી ગઈ, બિઝનેસ ઠપ થયો. બોલિવૂડમાં ઘણાં કલાકારોએ સુસાઈડ કર્યું. આવી પરિસ્થિતિમાં કોઈ પોતાના જીવનના ખરાબ સમયને બેસ્ટ કેવી રીતે બનાવી શકે?
20 માર્ચના રોજ જ્યારે હું ન્યૂ યોર્કથી મુંબઈ આવ્યો તો મને એ વાતનો અહેસાસ થયો કે કોરોના આપણાં તમામના જીવનને અસર કરશે. મેં ક્યારેય મુંબઈને આટલું શાંત જોયું નહોતું. એરપોર્ટને ક્યારેય વેરાન જોયું નહોતું. મારા મિત્ર અનિલ કપૂરે કહ્યું હતું કે 14 દિવસ પહેલાં કોઈને મળતો નહીં. જોકે, હું આશાવાદી છું. જોકે, મને લાગ્યું કે શું આમાં મને કોઈ આશાનું કિરણ જોવા મળશે? વાદળોની પાછળ શું સિલ્વર લાઈન જોવા મળશે? પછી એક દિવસ કોયલ અને અન્ય પક્ષીઓના અવાજ સાંભળ્યા.
39 વર્ષમાં મને પહેલી જ વાર લાગ્યું કે માણસ પિંજરામાં કેદ છે અને પશુ-પક્ષીઓ આઝાદ છે. આપણે જીવનમાં દરેક પરિસ્થિતિમાં હકારાત્મકતા શોધવાની જ છે. હું અહીંયા માત્ર ટેલેન્ટના દમ પર નથી પહોંચ્યો પરંતુ મારા એટીટ્યૂડે પણ મહત્ત્વની ભૂમિકા છે. ક્યારેય આશાવાદી વલણમાં ઊણપ આવવા દીધી નથી. આ વલણ તમારે પણ રાખવાનું છે. ભલે ગમે તેટલી ખરાબ સ્થિતિ કેમ ના હોય પરંતુ તમને આશાનું એક નાનું કિરણ તો દેખાવું જ જોઈએ. બસ તેને શોધવાનું છે.
સવાલઃ કોરોનાકાળમાં સૌથી વધુ શું પોઝિટિવ અનુભવ્યું?
એ જ કે વ્યક્તિને જીવનકાળમાં માત્ર ત્રણ વસ્તુઓ સિવાય અન્ય કોઈની જરૂર નથી. આપણે મૃગતૃષ્ણાની પાછળ ભાગીએ છીએ, પરંતુ તેનું તો જીવનમાં કોઈ મહત્ત્વ જ નથી. આપણે કિંમતી બેગ, ડાર્ક ચશ્મા, મોંઘી ગાડી પાછળ ભાગીએ છીએ પરંતુ જ્યારે લૉકડાઉન જાહેર થયું તો માત્ર ત્રણ વાતો જ મનમાં રહી. કોઈ પણ રીતે માતા-પિતા-પત્ની-બાળકો પાસે પહોંચી જાઉં, જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી રહે અને વાઈફાઈ ચાલતું રહે.
આ સમય અનેક રીતે પોઝિટિવ સાબિત થયો. જે મિત્રો સાથે વર્ષોથી વાત નહોતી થઈ તેની સાથે વાત થઈ. નવા શોખ તથા આદતો એક્સપ્લોર કરી. 10 ધોરણમાં જ્યારે અમે ભણતા ત્યારે 150 મિત્રોએ ફોટો પડાવ્યો હતો, તેમાંથી મેં 40નો સંપર્ક કરીને વાત કરી. મેડિટેશન કર્યું. જીવનમાં પોઝ આવ્યો, જેની બહુ જ જરૂર હતી.
સવાલઃ સુશાંત સિંહ રાજપૂતની સૌથી સારી વાત કઈ હતી?
સુશાંતની આંખોમાં સેન્સ ઓફ વન્ડર હતું. તેની વાતોમાં જાદુઈ અસર જોવા મળતી. તે જીવનમાં કંઈક કરવા માગતો હતો. મને એ વાતનું દુઃખ છે કે હવે તે આ દુનિયામાં નથી. તેના અનેક સપનાઓ હતા. જ્યારે અમે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક કરી ત્યારે મેં તેને મહેનત કરતાં જોયો હતો. તેની ખોટ હંમેશાં સાલસે.
સવાલઃ તમે 65ના થઈ ગયા. તમારા સાથીઓની તુલનામાં તમે અત્યાર સુધી બહુ જ એક્ટિવ છો, હોલિવૂડ જઈ આવ્યા, હવે એવું શું કરશો જે એકદમ 'અનુપમ' હોય?
અત્યારે તો જીવનનો ઈન્ટરવલ આવ્યો છે. આપણું મનોબળ અંદરથી આવે છે. હું ક્યારેય ખોટું બોલવાનો પ્રયાસ કરતો નથી. તબિયતનું ધ્યાન રાખું છું. મને નિષ્ફળ જવાનો ડર લાગતો નથી. ઘણાં લોકો જીવનના કોઈ તબક્કે અટકી જાય છે અને નવી વસ્તુ ટ્રાય કરતાં પહેલાં વિચારે છે કે સફળતા મળશે કે નહીં. આ પ્રકારનો અપ્રોચ રાખનાર લોકો મિડિયોકેર બનીને રહી જાય છે.
મારા પિતાજીએ બહુ પહેલાં કહ્યું હતું, 'Failure Is an Event, Not a Person.’ એટલે કે વ્યક્તિ નિષ્ફળ નથી જતો પરંતુ પરિસ્થિતિ નિષ્ફળ જાય છે. બીજી વાત એ કહી હતી કે કોઈને ખુશ કરવા સૌથી સરળ કામ છે. હું બંને વાતો પર અમલ કરું છું. કંઈક ખોવાઈ જાય તો તેનાથી દુઃખી નથી થતો. આ બધી વાતો મને એક્ટિવ રાખે છે. રોજ સવારે જ્યારે આંખો ખુલે છે ત્યારે ભગવાનનો આભાર માનું છું. એક નવા દિવસની શરૂઆત થઈ. જીવન સુંદર છે.
સવાલઃ કોરોનાકાળમાં માતાની કઈ વાત સૌથી વધુ કામ આવી? પુસ્તક સાથે જોડાયેલો કોઈ કિસ્સો હોય તો શૅર કરો?
પુસ્તકનું ટાઈટલ જ માતાએ આપેલાં શિક્ષણમાંથી છે. જ્યારે અમે નાના હતા ત્યારે માતા જ અમને પગપાળા સ્કૂલે મૂકવા આવતી. હું અને મારો નાનો ભાઈ રાજુ 15 મિનિટ ચાલીને સ્કૂલે આવતા. સ્કૂલના ગેટ આગળ માતા અમને નાસ્તાનો ડબ્બો આપતી અને કશ્મીરીમાં કહેતી, 'યોર બેસ્ટ ડે ઈઝ ટુડે.' આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ છે. સ્કૂલ કે નાટકમાં જીતીએ કે હારીએ અમે ખુશ જ રહેતા. માતાએ જ સહનશીલતા શીખવી છે.
સવાલઃ જ્યારે તમે પુસ્તક લખતા ત્યારે કોરોનાવાઈરસને કારણે દુનિયાની સ્થિતિ અંગે મનમાં શું વિચારો ચાલતા?
મનુષ્ય જાતિએ આ દુનિયામાં ઘણો જ ઉત્પાત મચાવ્યો છે. આપણે ભૂલી ગયા હતા કે આ દુનિયામાં અન્ય જીવ-જંતુ તથા પ્રાણીઓ રહે છે. આપણે લાલચમાં એ હદે ખોવાઈ ગયા કે અન્ય કોઈનો વિચાર જ કર્યો નહીં. આ નાનકડાં વાઈરસે આપણે શીખવી દીધું કે બીજાની દેખરેખ પણ આપણે જ રાખવાની છે. લાલચ પર લગામ રાખવાની જરૂર છે. જ્યારે સાગર મંથન થયું ત્યારે અમૃતની સાથે ઝેર પણ નીકળ્યું હતું. આગામી યુગમાં લોકો સહાનુભૂતિની સાથે જીવશે. બીજા અંગે વિચાર કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Source