www.divyabhaskar.co.in |
દિવંગત સંગીતકાર વાજિદ ખાનની પત્ની કમલરુખે સાસરિયાવાળા પર ઉત્પીડન કરવા અને ધર્મ પરિવર્તન અંગે દબાણ કરવાનો આરોપ મૂક્યો છે. ખાને સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગે માહિતી આપી હતી. કમલરુખે લખ્યું કે હું પારસી છું. તે(વાજિદ) મુસ્લિમ હતા. અમારા લગ્ન થયા. અમે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પ્રેમ માટે લગ્ન કર્યા હતા. આ જ કારણ છે કે ધર્મ પરિવર્તન અંગે છંછેડાયેલી ચર્ચા મારા માટે રસપ્રદ છે. હું એક આંતરધાર્મિક લગ્નમાં પોતાના અનુભવ શેર કરવા માગુ છું કે એક મહિલા કેવી રીતે ધર્મના નામે મુશ્કેલી અને ભેદભાવનો સામનો કરે છે. આ સંપૂર્ણપણે શરમની વાત છે.
આ દરમિયાન કમલરુખે સોશિયલ મીડિયામાં એક ઓપન લેટર લખ્યો છે. આ નોટમાં તેણે વાજિદના પરિવાર પર ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે તેને હેરાન કરતી હોવાનો આક્ષેપ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન અંગે કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ખોટી રીતે, લાલચ આપીને, ધમકાવીને લગ્નના નામ પર છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે તો તેને ગુનો માનવામાં આવશે. આ કાયદો અમલી બન્યા બાદ કમલરુખે સોશિયલ મીડિયામાં પોતાની વાત કહી હતી. જોકે, કમલરુખના આ આક્ષેપો પર વાજિદના પરિવારે હજી સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી.
કંગનાનો કમલરુખને સપોર્ટ
તેમની પોસ્ટ બાદ અભિનેત્રી કંગના રણૌતે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ મારા મિત્રની વિધવા છે. તેને પરિવાર દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. હું વડાપ્રધાનને પૂછવા માગુ છું કે જે લઘુમતી ડ્રામા નથી કરતા, રમખાણ નથી કરતા, કોઈનું માથું વાઢતા નથી, ધર્મ પરિવર્તન કરવા દબાણ નથી કરતા, તેમને આપણે કેવી રીતે સુરક્ષિત રાખીશું?
શું કહ્યું કમલરુખે?
કમલરુખે કહ્યું હતું, 'ધર્માંતરનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે સરકાર આ મુદ્દે એકદમ ગંભીર છે.મારું નામ કમલરુખ ખાન છે અને હું સ્વર્ગીય મ્યૂઝિક ડિરેક્ટર વાજિદ ખાનની પત્ની છું. હું અને મારા પતિ લગ્ન પહેલાં 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં.
મહિલા જ પૂર્વગ્રહ-ભેદભાવ સહન કરે છે
'હું પારસી છું અને તેઓ મુસ્લિમ હતા. અમે 'કોલેજ સ્વીર્ટહાર્ટ' તરીકે જાણીતા હતા. અમે જ્યારે લગ્ન કર્યાં ત્યારે અમે સ્પેશિયલ મેરેજ એક્ટ (એક એવો કાયદો જે હેઠળ તમે બીજા ધર્મમાં લગ્ન કરી શકો છો) હેઠળ કર્યાં હતાં. આથી જ એન્ટી કન્વર્ઝેશન બિલ મારા માટે ઘણું જ રસપ્રદ છે. હું મારી વાત કરવા માગું છું અને આંતરજ્ઞાતીય લગ્ન કરવાના મારા અનુભવ શૅર કરવા ઈચ્છું છું. ધર્મના નામ હેઠળ માત્ર મહિલા જ પૂર્વગ્રહ અને ભેદભાવ સહન કરે છે. આ ઘણું જ શરમજનક તથા આંખ ઊઘાડનારું છે.'
લગ્ન બાદ બધું જ બદલાઈ ગયું
'મારો ઉછેર એક સરળ પારસી પરિવારમાં થયો છે. પરિવારમાં ડેમોક્રેટિક સિસ્ટમ હતી. વિચારોની સ્વંતત્રતા તથા હેલ્થી ડિબેટ થતી હતી. દરેક પ્રકારે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જોકે, લગ્ન બાદ આ જ સ્વતંત્રતા, શિક્ષણ તથા ડેમોક્રેટિક વેલ્યુ સિસ્ટમ મારા પતિના પરિવાર માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે.'
ઈસ્લામ કુબૂલ કરવા સતત દબાણ થતું
'ધર્મ બદલવા માટે મારી પર સતત દબાણ કરવામાં આવતું હતું. ધર્મ ના બદલવાને કારણે વાજિદ અને મારા સંબંધોમાં એક જાતની કડવાશ આવી ગઈ હતી. એક સ્વતંત્ર મહિલા તથા ઓપિનિયન મારા પતિના પરિવારમાં કોઈને સ્વીકાર્ય નહોતો. ધર્મ ના બદલવાનો મારો નિર્ણય ખોટી રીતે લેવામાં આવ્યો હતો. આની અસર અમારા સંબંધો પર પણ પડી હતી. હું દરેક ધર્મનું સન્માન કરું છું. દરેક સેલિબ્રેશનમાં ભાગ લઉં છું. જોકે, ધર્મ ના બદલવાને કારણે મારા તથા વાજિદ વચ્ચે અંતર આવી ગયું હતું.'
ધર્મ પરિવર્તન કરવા નહોતી માગતી
'મારું આત્મસન્માન ક્યારેય ધર્મ પરિવર્તનની પરવાનગી આપતું નહોતું. હું પતિ તથા તેના પરિવાર માટે ઈસ્લામ કુબૂલ કરી લઉં અને ઝૂકી જાઉં એ વાત મને મંજૂર નહોતી. વ્યક્તિગત રીતે હું કન્વર્ઝનમાં વિશ્વાસ ધરાવતી નથી. હું મારી 16 વર્ષીય દીકરી અર્શી તથા 9 વર્ષીય દીકરા રેહાનને આ બધાથી દૂર રાખવા માગતી હતી અને તેમના માટે એક એક્ઝામ્પલ સેટ કરવા માગતી હતી. હું મારી વિચારધારા માટે લડતી રહી છું.'
ડિવોર્સ માટે કોર્ટ લઈ જવામાં આવી
'મેં લગ્ન બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો અને આ ભયાનક વિચાર સામે બાથ ભીડી હતી. જોકે, આનું પરિણામ મારા માટે સારું રહ્યું નહીં. તેમના પરિવારે અમને અલગ કરી દીધા. આટલું જ નહીં ધર્મ પરિવર્તન માટે મને ડરાવવામાં આવી, ધમકાવવામાં આવી અને ડિવોર્સ માટે કોર્ટ ઢસડી જવામાં આવી હતી. હું આ બધાથી પડી ભાંગી હતી. ઈમોશનલી હું એકદમ નખાઈ ગઈ હતી. જોકે, મેં અને મારા બાળકોએ મજબૂતીથી આનો સામનો કર્યો હતો.'
ધર્મને કારણે પરિવારની જેમ રહી શક્યા નહીં
'વાજિદ ઘણાં જ ટેલેન્ટેડ સંગીતકાર છે અને તેમણે પોતાના જીવનમાં ઘણી જ સારી ધૂનો બનાવી છે. હું અને મારા બાળકો તેમને ઘણાં જ યાદ કરીએ છીએ અને ઈચ્છતા હતા કે તેઓ હજી વધુ સારો સમય એક પરિવાર તરીકે અમારી સાથે પસાર કરત. જોકે, ધર્મને કારણે અમે ક્યારેય એક પરિવાર તરીકે સાથે રહી શક્યા નહીં.'
વાજિદના નિધન બાદ પણ હેરાન કરવામાં આવે છે
'તેમના નિધન બાદ પણ મને હેરાન કરવામાં આવી રહી છે અને તેથી જ હું આ પોસ્ટ લખી રહી છું. હું મારા અધિકાર તથા બાળકોના વારસા માટે લડીશ. મેં ઈસ્લામ ધર્મ કુબૂલ ના કર્યો એટલા માટે તેઓ મને હજી પણ હેરાન કરી રહ્યાં છે. વ્યક્તિના મોત બાદ પણ તેમનામાં મારા પ્રત્યેની નફરત હજી પણ ઓછી થઈ નથી.'
દેશભરમાં આ બિલ અમલી બને
'હું ઈચ્છું છું કે દેશભરમાં એન્ટી કન્વર્ઝેશન કાયદો લાગુ થાય. આ કાયદાથી મારા જેવી મહિલા, જે આંતરજ્ઞાતિય લગ્નમાં ધર્મના ઝેર સામે લડી રહી છે, તેનો સંઘર્ષ ઓછો કરી શકાશે. કમલરુખે પોસ્ટની અંતે લખ્યું હતું કે ધર્મ ઉજવણી કરવા માટેનું કારણ હોવો જોઈએ, પરિવાર તૂટવા માટે નહીં. સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કમલરુખે કહ્યું હતું, 'તમામ ધર્મ ભગવાન સુધી પહોંચવાના માર્ગ છે. ધર્મ માત્ર 'જીવો અને જીવવા દો' એ સંદર્ભે હોવો જોઈએ.'
કિડની ઈન્ફેક્શનને કારણે અવસાન
42 વર્ષીય મ્યૂઝિક કમ્પોઝર તથા સિંગર વાજિદ ખાનનું 31 મે, રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ છેલ્લાં ચાર દિવસથી વેન્ટિલેટર હતા. તેમને કિડનીની સમસ્યા હતા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવી હતી. જોકે, કિડનીમાં ઈન્ફેક્શન થતાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા પરંતુ અહીંયા તબિયત સુધરવાને બદલે બગડતી જતી હતી.
ઉલ્લેખનીય છે કે સાજિદ-વાજિદે 1998માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી કરિયરની શરૂઆત કરી હતી. સાજિદ-વાજિદ તથા સલમાન વચ્ચે ખાસ બોન્ડિંગ હતું. તેમણે સલમાનની ફિલ્મ ‘તેરે નામ’, ‘મુઝસે શાદી કરોંગી’, ‘પાર્ટનર’ તથા ‘દબંગ’માં સંગીત આપ્યું હતું. સલમાન ખાને ઈદ પર રિલીઝ કરેલું ‘ભાઈ ભાઈ’ સોંગમાં સાજિદ-વાજિદે જ સંગીત આપ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Source